ભારતની ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ ઇંગ્લેન્ડમાં યોજાઈ રહેલી મહિલા ક્રિકેટ સુપર લીગમાં ધમાલ મચાવી દીધી છે. ઝડપી અર્ધી સદી બાદ હવે તેણે પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખતાં માત્ર ૬૦ બોલમાં સદી ફટકારી હતી. ૨૨ વર્ષીય મંધાનાએ સુપર લીગમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. મંધાનાએ વેસ્ટર્ન સ્ટોર્મ તરફથી રમતાં લંકાશાયર થંડર સામે ૬૧ બોલમાં ૧૦૨ રન ફટકારી ટીમને સાત વિકેટે જીત અપાવી હતી. તેણે પોતાની વિસ્ફોટક ઇનિંગમાં ૧૨ ચોગ્ગા અને ચાર છગ્ગા પણ ફટકાર્યા હતા. ટી-૨૦ ક્રિકેટમાં મિતાલી રાજ બાદ સદી ફટકારનાર બીજી મહિલા ક્રિકેટર છે. મિતાલી રાજે ૨૦૧૭માં રેલવે તરફથી રમતાં અણનમ ૧૦૦ રન બનાવ્યા હતા. મંધાનાએ આ સાથે ઝડપી સદી ફટકારવાના મામલે ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઇનના રેકોર્ડની પણ બરાબરી કરી હતી. ડિવાઇને ૨૦૦૫માં ભારત સામે ટી-૨૦ ઇન્ટરનેશનલમાં ૬૦ બોલમાં જ સદી ફટકારી હતી.
મંધાનાએ ગત મહિને સુપર લીગમાં પદાર્પણ કર્યું હતું અને તે પોતાની વિસ્ફોટક બેટિંગ દ્વારા છવાઈ ગઈ છે. મંધાનાએ આ લીગની પાંચ ઇનિંગમાં ૯૪ની એવરેજથી ૨૮૨ રન ફટકાર્યા છે અને આ તમામ ઇનિંગમાં તેણે કુલ ૧૬ છગ્ગા પણ ફટકાર્યા છે.
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતાં લંકાશાયર થંડરે સાત વિકેટ ગુમાવી ૧૫૩ રન બનાવ્યા હતા. આ ટીમ તરફથી સેટરવેટે સૌથી વધુ ૮૫ રન બનાવ્યા હતા. ભારતની ટી-૨૦ કેપ્ટન હરમનપ્રીત કૌર ખાતું ખોલાવ્યા વિના રનઆઉટ થઈ ગઈ હતી. ૧૫૫ રનના લક્ષ્યાંક સામે રિચેલ પ્રીસ્ટ પાંચ રન અને હેથર નાઇટ્સ આઠ રન બનાવી આઉટ થઈ હતી પરંતુ મંધાનાએ વિસ્ફોટક બેટિંગ કરતાં ૬૧ બોલમાં ૧૦૨ રન બનાવી ટીમને સાત વિકેટે વિજય અપાવ્યો હતો.
એરોન ફિન્ચે ટી-૨૦માં છઠ્ઠી સદી ફટકારી :
ઓસ્ટ્રેલિયાના ઓપનર એરોન ફિન્ચે ઇંગ્લેન્ડમાં યોજાઈ રહેલી ટી-૨૦ બ્લાસ્ટ ટૂર્નામેન્ટમાં સરે તરફથી રમતાં ટી-૨૦માં પોતાની છઠ્ઠી સદી ફટકારી હતી. મિડલસેક્સ તરફથી રમતાં આ મેચમાં ફિન્ચે ૫૨ બોલમાં અણનમ ૧૧૭ રન બનાવ્યા હતા. તેણે પોતાની આ ઇનિંગમાં ૧૧ ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા હતા. મિડલસેક્સે જીત માટે ૨૨૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને સરેએ ફિન્ચની વિસ્ફોટક સદીની મદદથી ચાર ઓવર બાકી રહેતાં મેળવી લીધો હતો. આ સાથે ફિન્ચે રોહિત શર્માને પાછળ છોડયો હતો. રોહિતે પાંચ ટી-૨૦ સદી ફટકારી છે.
0 ટિપ્પણીઓ
If you find any wrong information, difficulty or query then let me know.