Header Ads Widget

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

ચંગીઝ ખાન



🔛 ચંગીઝ ખાન 🔛

🔜 આ કહાની છે દુનિયાના સૌથી ખૂંખાર, ક્રૂર અને આતંકી પરંતુ કુશળ તેવા મોંગોલિયન શાશક ચંગીઝ ખાનની કે જે પોતાના જીવનમાં ઘણા બધા યુદ્ધો જીત્યો અને પોતાના યુદ્ધકલાના દમ પર પોતાનના જીવનમાં એકપણ યુદ્ધ નથી હાર્યો. ચંગીઝનું નામ સાંભળીને મોટા મોટા ખેરખાઓનો પણ પરસેવો છૂટી જતો હતો. જો ઈતિહાસમાં સૌથી વધારે બર્બરતા વાળા અને નિર્દયી શાશકનું નામ લેવામાં આવે તો તેમાં ચંગીઝ ખાનનું નામ સૌ પ્રથમ આવે.

🔜 દુનિયામાં ચંગીઝ ખાન વિશેની ઘણી કહાનીઓ છે પરંતુ તેમના મૃત્યુ બાદ મંગુલ ભાષામાં લખાયેલી બુક 'The Secret History of the Mongols'  એ બાબતોને બતાવે છે જે કદાચ ઘણા ખરા લોકોને નથી ખબર. વાસ્તવમાં તે કેવો હતો ? કેવી રીતે તેણે મંગોલ સામ્રાજ્યની સ્થાપના કરી ? કઈ રીતે તે આટલા બધા દેશ જીતી શક્યો ? તેમજ કઈ રીતે તેણે મંગોલ કબીલાને એક શક્તિશાળી દેશ 'મંગોલીયા' બનાવ્યો ? તેણે ઈ. સ. 1206 થી લઈને 1227 સુધીના સમયગાળામાં એશિયા અને યુરોપના એક વિશાળ ભાગને જીતી લીધો હતો અને દુનિયામાં પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. તેમજ ધરતીનો લગભગ 22 % ભાગ જીતી લીધો હતો. ચીનથી લઈને બુખારા, ઉજબેકિસ્તાન, સમરકંદ, રશિયા, અફઘાનિસ્તાન, આફ્રિકા, જાપાન, ઉતરી સાઈબીરિયા, ઈરાન, ઈરાક, બલગેરીયા, અને હંગેરી જેવા દેશો પર ચંગીઝ ખાનનું શાશન હતું.

🔜 હિંદુસ્તાનમાં મુઘલ સલ્તનતનો પાયો નાખનાર બાબરથી લઈને બહાદુર શાહ ઝફર સુધીના બધા જ મુઘલ બાદશાહ ચંગીઝ ખાનના જ વંશજો હતા. દીર્ઘદ્રષ્ટા તેવા ચંગીઝની જન્મથી લઈને મૃત્યુ સુધીની આ કહાની તમને લગભગ 800 વર્ષ પહેલાના  ઈતિહાસમાં લઈ જશે.

🔜 ઈ. સ. 1162 માં મંગોલીયાના ખેંતી (Khenti) નામના રાજ્યના 'ખાનાબદુસ' કબીલામાં ચંગીઝનો જન્મ થયો હતો. તેનું સાચું નામ હતું તૈમુઝીન. તેના પિતાનું નામ હતું યેસુખેઈ (Yesukhei) અથવા યશુગેઈ બગાતુર. જે મંગોલ કબીલાનો શક્તિશાળી શાશક હતો. જેણે પોતાના દુશ્મનોને હરાવીને પોતાના રાજ્યનો (કબીલાનો) વિકાસ કર્યો હતો. હવે આગળની વાતમાં તમને એ પણ ખબર પડશે કે ચંગીઝ ખાન તેમાં પિતાથી પણ મોટો યોદ્ધો હતો. જેણે પણ પોતાના પિતાની જેમ ઘણી બધી લડાઈઓ લડી અને જીત્યો હતો. જેને લીધે જ તેણે ખાન (Khan)ની પદવી મેળવી હતી. અને તેનું નામ તૈમુઝીનથી બદલાઈને ચિંગીઝ ખાન (Chinggis Khan) અને બાદમાં ચંગીઝ ખાન (Genghis Khan) થઈ ગયું હતું. જે બાદમાં પાછું બદલાઈને ચંગેઝ ખાન (Changez Khan) થઈ ગયું હતું. ખાનની પદવીથી એવું લાગે છે કે તે મુસ્લિમ હતો પરંતુ તેવું નથી. ચંગીઝની 'માં'નું નામ હોલેયન (Holeun) હતું. તે જ્યારે પેદા થયો ત્યારે તેની હથેળી પર લોહીનો એક મોટો ડાઘ હતો. જ્યારે તેની માં એ આ લોહીનો ડાઘ જોયો ત્યારે તેણે કહ્યું કે આ છોકરો તેના જીવનમાં ઘણી બધી લડાઈઓ જીતશે અને તેની તલવાર હંમેશા કોઈપણ વ્યક્તિના લોહીથી રંગાઈને લાલ રહેશે. ચંગીઝ જ્યારે માત્ર 9 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું. તેના પિતા 1 પત્ની અને તેના 7 છોકરાઓને અનાથ છોડીને ચાલ્યા ગયા હતા.

🔜 ચંગીઝ જ્યારે 12 વર્ષનો હતો ત્યારે તેના લગ્ન બોર્ટે (Borte) નામની એક છોકરી સાથે નક્કી કરી દેવામાં આવ્યા. ચંગીઝના લગ્ન નક્કી થઈ ગયા પહેલા તેના પિતા યેસુખેઈ એ ઈચ્છતા હતા કે ચંગીઝને પણ મંગોલ કબીલાનો સરદાર બનાવી દેવામાં આવે. કારણ કે ચંગીઝ તેનો સૌથી મોટો દીકરો હતો. પરંતું ચંગીઝને સરદાર બનાવવા માટે એ જરૂરી હતું કે યેસુખેઈ નવા ક્ષેત્રો ઉપર પોતાનું આધિપત્ય જમાવે અમે તેનો સરદાર ચંગીઝને બનાવી દે કારણ કે તે સમયે મંગોલ કબીલાના સૌથી મોટા દુશ્મન હતા તાતાર કબીલાના લોકો. યેસુખેઈએ તાતાર કબીલાના લોકો ઉપર ઘણી વખત હુમલો કર્યો હતો અને તે કબીલાના લોકો યસુખેઈથી ખૂબ ડરેલા હતા તેમજ તેઓ યસુખેઈને મારી નાખવા માંગતા હતા. આથી તેઓએ એક ચાલ ચલી. તેના ક્ષેત્રને અડીને હતું ઓલખનટ (Olkhunat) કબીલાના લોકોનું ક્ષેત્ર અને તાતર કબીલાના લોકોએ ઓલખનટ કબીલાના લોકોને પોતાની તરફ ખેંચવા માટે પ્રયત્ન કર્યો કારણ કે ઓલખનટ કબીલાનો સરદાર યસુખેઈને ખૂબ જ નફરત કરતો હતો. કારણ એ હતું કે યસુખેઈની પત્ની હોલયન ઓલખનટ કબીલાના સરદાર ની પુત્રી હતી અને યસુખેઈએ તેની સાથે ભાગીને લગ્ન કર્યાં હતાં. તાતર કબીલાના લોકો તેના સરદારની આ નફરત વિશે જાણતા હતા. તે લોકોએ ઓલખનટ કબીલાના સરદારને કાન ભંભેરણી કરીને પોતાની તરફ કરી લીધા. તે લોકોએ સરદારને કહ્યું કે તે યસુખેઈને જમવા માટે બોલાવે અને એ જમવામાં ઝેર ભેળવી દે. તેમજ એ એવું ઝેર કે જે ધીમું ધીમું કામ કરે. મતલબ કે યસુખેઈ જમીને જ્યારે પોતાના કબીલમાં પાછો જશે ત્યારે તે ઝેર કામ કરશે અને તે ઝેરની અસર કરતા લગભગ 20 થી 30 કલાક થશે. તેમજ તેના કબીલમાં પહોંચ્યા બાદ અમે તાતર કબીલાના લોકો તેના પર હુમલો કરી દઈશું. તે હુમલામાં અમે યેસુખેઈને ભાલાથી ઘાયલ કરવાની કોશિશ કરીશું એટલે કે તે મરે ત્યારે બધાને એમ જ લાગે કે તે ઝેર વાળો જે ભાલો હતો તેના વાગવાથી તેનું મૃત્યુ થયું છે. તાતર કબીલાના લોકોએ વિચાર્યું કે આ હુમલામાં ભલે તેના કબીલાના બધા જ સૈનિકો મૃત્યુ પામે પરંતુ એક દુશ્મનનો તો સફાયો થઈ જાય.

🔜 ચાલ અનુસાર, ઓલખનટ કબીલાના સરદારે, યેસુખેઈને કોઈ તહેવાર પર જમવા માટેનું નિમંત્રણ મોકલ્યું અને જે નિમંત્રણનો યેસુખેઈએ ખુશીથી સ્વીકાર કરી લીધો કારણ કે તેના લગ્ન બાદ પહેલી વખત તેના સાસરિયા તરફથી તેને જમવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. તે પોતાના થોડાક સૈનિકોને લઈને ઓલખનટ કબીલામાં ગયો. ચાલ મુજબ, ઓલખનટ કબીલાના સરદારે યેસુખેઈને જમવામાં ઝેર ભેળવી દીધું. તે તહેવાર બાદ જયારે યેસુખેઈ પોતાના કબીલામાં પાછો ફર્યો તેના થોડા સમય બાદ જ તાતાર કબીલાના લોકોએ તેના પર હુમલો કરો દીધો. અને તે હુમલામાં તાતાર કબીલાના સૈનિકોએ એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું કે ઓછામાં ઓછો એક ભાલો યેસુખેઈને જરૂર વાગી જાય. પછી ભલે તે ભાલો તેને માત્ર થોડોક જ અડે અને અંતે બસ એ જ થયું. તેને એક ભાલો લાગી ગયો. પોતાના સરદારને ઘાયલ થયેલો જોઈને મોંગોલ સૈનિકો ભડકી ગયા અને તે લોકોએ તાતાર કબીલાના લોકોને મારી નાખવામાં તેની પુરી તાકાત લગાવી દીધી. તાતારના લગભગ 100 જેટલા સૈનિકોએ તેના પર હુમલો કર્યો હતો. મોંગોલ સૈનિકોએ તે બધાને મારી નાખ્યા. પરંતુ થોડોક સમય ગયો અને ઝેરે પોતાનું કામ કરવાનું શરૂ કરી દીધું અને યેસુખેઈનું મૃત્યુ થયું.

🔜 એક બાજુ મોંગોલોનો સરદાર યેસુખેઈ મૃત્યુ પામ્યો હતો તો બીજી બાજુ મોંગોલના બધા સૈનિકોએ તાતાર કબીલાના બધા જ સૈનિકોને મોતને ઘાટ ઉતારી નાખ્યા હતા. અને હવે કઈ જ બચ્યું ન હતું ત્યારે તેઓ પોતાના કબીલા તરફ પાછા જવા માંડયા. એક ચાલ સફળ થઈ ગઈ હતી ત્યાં જ બીજી ચાલ રમી યેસુખેઈના ભાઈ હોતુલા ખાને (Hotula Khan). હોતુલા ખાનને ખબર પડી કે યેસુખેઈનું મૃત્યુ થઈ ચૂક્યું છે તે જ સમયે તેણે વિચાર્યું કે આ જ એક સાચો સમય છે મોંગોલોની સત્તા હડપવાનો. યેસુખેઈ જે ભાગોને જીતતો હતો તે ભાગોની સેના અને તેના સરદારોને પોતાની મોંગોલ સેનામાં ભરતી કરી લેતો હતો. તેમજ તેની સેનામાં કેટલાયે ભાગોની સેનાઓ હતી. હોતુલા ખાન પણ આ વાતને જાણતો હતો. તેણે બધા જ સરદારોને કહ્યું કે તે લોકો કોઈપણ બહાને પોતાના સૈનિકોને પાછા બોલાવી લે અને તે સરદારોએ હોતુલા ખાનની વાત માની લીધી. કારણ કે યેસુખેઈના પરિવારમાં એક માત્ર હોતુલા ખાન જ બચ્યો હતો કે જેને યેસુખેઈના મૃત્યુ બાદ ખતરો હતો. બધા જ સરદારોએ પોતાના સૈનિકોને પાછા બોલાવી લીધા. યેસુખેઈની સેના ખૂબ જ ખરાબ રીતે વિખેરાઈ ગઈ હતી. તેમજ તેની સેનાના ઘણા બધા સૈનિકોને હોતુલા ખાને પોતાની તરફ ખેંચી લીધા. ત્યારબાદ યેસુખેઈની સેનામાં વિદ્રોહ થયો કારણ કે કેટલાક સૈનિકો યેસુખેઈના વફાદાર હતા તો કેટલાક યેસુખેઈ સાથે મળી ગયા હતા. તે બધા સૈનિકોમાં પરસ્પર લડાઈ થઈ ગઈ.

🔜 યેસુખેઈનો પૂરો પરિવાર બોરજીગીન (Borjigin) નામના જે સ્થળે રહેતો હતો તે જગ્યા પર હોતુલા ખાને હુમલો કરાવ્યો. કારણ કે તે પુરા પરિવારને ખત્મ કરી દેવા માંગતો હતો. પરંતુ યેસુખેઈના કેટલાક વફાદાર સૈનિકો અને કર્મચારીઓએ ચંગીઝ ખાન, તેના ભાઈઓ અને તેની માતાને બોરજીગીનથી સુરક્ષિત રોટ બહાર નીકાળી દીધા. ચંગીઝ ખાનની માતા અને તેનો પરિવાર જંગલમાં છુપાય ગયો. અને હોતુલા ખાને બોરજીગીન પર પોતાનો અડ્ડો જમાવી દીધો. હોતુલા ખાન અને બોરજીગીનના લોકો એ વાત જાણતા હતા કે યેસુખેઈના પરિવારનો એકપણ સદસ્ય હવે જીવતો નથી રહ્યો. પરંતુ સચ્ચાઈ ખરેખર બીજી જ હતી. બસ અહીં પુરી થાય છે ચંગીઝ ખાનના પિતા યેસુખેઈની કહાની અને શરૂ થાય છે ચંગીઝ ખાનની કહાની.

🔜 કેટલાક દિવસો સુધી ચંગીઝ ખાન અને તેનો પરિવાર જંગલમાં જ આમ તેમ ભટકતા રહ્યા. એક દિવસ ચંગીઝની માતા હોઈલને પોતાના દીકરાની હથેળીમાં જોતા જોતા કહ્યું કે તારી હથેળીમાં રહેલા લોહીનો જે ડાઘ છે તે આછો થઈ ગયો છે તો શું આપણે આ જ રીતે જંગલમાં જ ભટકવું પડશે ? ટીકરે ચંગીઝે એક ધારદાર પથ્થર લઈને પોતાની હથેળી પર એક ધારદાર નિશાન બનાવીને કહ્યું કે આપણી પાસે જે ક્ષેત્ર (બોરજીગીન) છીનવી લેવામાં આવ્યું છે તેના કરતાં પણ કેટલાયે વિશાળ વિસ્તારમાં હું મારુ સામ્રાજ્ય ફેલાવીશ આ મારું વચન છે. અને ચંગીઝે જંગલમાં જ પોતાનું એક ઘર બનાવ્યું. ચંગીઝને બે નાના ભાઈ પણ હતા. જેમાંનો એક નાનો ભાઈ તેને ઘણીવાર કહેતો રહેતો કે તે ઉંમરમાં ચંગીઝથી મોટો છે તેથી તે આ પરિવારનો મુખ્ય સદસ્ય છે. એક વખત બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો ચાલતો હતો તેથી ગુસ્સે થઈને ચંગીઝે તેના નાના ભાઈની હત્યા કરી નાખી અને ઘણા લોકો એમ પણ કહે છે કે એક વખત ચંગીઝનો નાનો ભાઈ ચંગીઝની માછલી ચોરીને ખાઈ ગયો હતો તેથી ચંગીઝને ખૂબ ગુસ્સો આવતા તેણે તેના ભાઈને મારી નાખ્યો હતો.

🔜 સમયનું ચક્ર ફરતું ગયું અને ચંગીઝ ખાને પોતાના ભાઈઓ સાથે મળીને આજુબાજુના નાના નાના ભાગો ઉપર હુમલો કરતો રહ્યો અને તે ભાગોને લૂંટતો રહ્યો. અને તે ભાગોને પોતાના કબ્જામાં લેતો રહ્યો. 20 વર્ષની ઉંમર થતા થતા તેણે આજુબાજુના ઘણા ભાગો પર કબ્જો કરી લીધો. તે ભાગોમાં જે લોકો આવતા હતા તેની પાસેથી ચંગીઝ ટેક્સ વસુલતો હતો. તેણે પોતાની સેના બનાવવાની શરૂઆત કરી. ઘોડા એકઠા કર્યા, હથિયાર ભેગા કર્યા અને આસપાસના લોકોને પોતાની સાથે મિલાવ્યા. તેમજ તે લોકો એ સૈનિક બનાવવા માટે તાલીમ આપવાની શરૂઆત કરી. તેણે નાના નાના કબીલાઓના લોકોને મળવાનું શરૂ કર્યું. જે કબીલાવાળા ઓ હોતુલા ખાનથી પરેશાન હતા તે બધા કબીલાઓને તેણે પોતાની સાથે ભેળવી દીધા. તે લોકોએ પોતાની નાની નાની સેના ચંગીઝ ખાનને આપી દીધી. તે જ સમયે ચંગીઝ ખાનને તેના બાળપણનાં મિત્ર જમુખા (Jamukha) નો એક સંદેશ મળ્યો.

🔜 જમુખા કરિયેટ (Keriate) નામના કબીલાથી સંબંધ ધરાવતો હતો. અને તે જ સમયે જાદરણ (Jadaran) નામની જગ્યાનો સરદાર હતો. તે કેટલાય કબીલાઓનો સરદાર હતો. જમુખા અને તેના પિતાના અધિકારમાં કેટલાયે ક્ષેત્રો આવતા હતા. જમુખાને એવું જ લાગતું હતું કે યેસુખેઈના મૃત્યુ બાદ તેના પરિવારના બધા જ લોકોને મારી નાખવામાં આવ્યા છે. પરંતુ જ્યારે તેણે ખબર પસી કે તેનો બાળપણનો મિત્ર હજુયે જીવે છે ત્યારે તેણે તેનો સાથ આપવાનું શરૂ કર્યું અને વચન પણ આપ્યું. તેણે ચંગીઝને પોતાની 20,000 સૈનિકોની મોટી સેના પણ આપી દીધી હતી. હવે ચંગીઝ પાસે સેનાની કોઈ કમી ન હતી.

🔜 હવે ચંગીઝે બોરજીગીન તરફ પ્રયાણ કર્યું. જ્યારે તેના કાકા હોતુલા ખાનને આ વાત ખબર પડી ત્યારે તે તેના પરિવારને લઈને ત્યાંથી ભાગી ગયો. યુદ્ધ કર્યા વગર જ ચંગીઝ ખાનનો બોરજીગીન ઉપર કબ્જો થઈ ગયો. બોરજીગીનની જનતા પણ ચંગીઝ ખાનના આવવાથી ખૂબ ખુશ થઈ તેમજ જમુખાની દોસ્તી ચંગીઝને ખૂબ કામ આવી. જમુખાના કરિયેટ કબીલા અને બીજા કબીલાઓએ માંડીને એક સમારોહનું આયોજન કર્યું અને તે સમારોહમાં તૈમુંઝીન ને ચંગીઝ ખાન (Genghis Khan) નું નામ આપવામાં આવ્યું. માત્ર એટલું જ નહીં પરંતુ તેને ખાગાન (Khagan)ની પદવી પણ આપવામાં આવી હતી. જેનો મતલબ થાય છે સૌથી મોટો ખાન. તે સમારોહમાં આવેલા બધા જ સરદારોએ ભવિષ્યમાં ચંગીઝ ખાનનો સાથ આપવાની જાહેરાત કરી. તે સમારોહમાં ચંગીઝની પત્ની 'બોર્ટે' પણ આવેલી હતી. બોર્ટેના પિતા ડેઈ સિચીન (Dei Seichen) પણ ત્યાં આવેલો હતો. બોર્ટેના પિતા ડેઈએ ચંગીઝ ખાનને કહ્યું કે તે થોડાક દિવસો સુધી બોર્ટેને પોતાના ઘરે લઈ જવા માંગે છે. ચંગીઝ ખાને તરત જ હા પાડી દીધી અને સમારોહ પત્યા બાદ તરત જ ડેઈ પોતાની દીકરીને લઈને પોતાના ઘર તરફ જાવા માટે નીકળી પડ્યો પરંતુ તેને રસ્તામાં વચ્ચે જ મર્કિટ (Merkit) કબીલાના લોકોએ ઘેરી લીધો. અને બંને કબીલાઓના લોકો વચ્ચે લડાઈ થઈ. તે લડાઈમાં ડેઈ સિચીનને મર્કિટ કબીલાના લોકોએ મારી નાખ્યો અને તેઓ ચંગીઝની પત્ની 'બોર્ટે'ને પોતાની સાથે લઈ ગયા. પરંતુ વાસ્તવમાં મર્કિટ કબીલાઓના લોકોને એ વાતનું દુઃખ હતું કે શા માટે ચંગીઝને 'ખાગાન'ની પદવી આપવામાં આવી ? ત્યાં સુધીમાં તો ચંગીઝ ખાન પણ બોરજીગીન પાછો આવી ગયો હતો. જ્યારે તેને ખબર પડી કે પોતાની પત્નીનું અપહરણ થયું છે ત્યારે તેણે પોતાની સેના સાથે મર્કિટ કબીલાના લોકો પર હુમલો કરી દીધો. આ હુમલામાં પણ તેનો સાથ આપ્યો તેના દોસ્ત 'જમુખા' અને તેની સેનાએ.

🔜 ચંગીઝ મર્કિટ કબીલાની અંદર ચાલ્યો ગયો તેમજ તેના રસ્તામાં જે લોકો આવ્યા તેમણે કા તો ચંગીઝનો સાથ આપ્યો અથવા તો મોતને વ્હાલું કર્યું. ચંગીઝ આગળ વધતો જતો હતો અને તેની સેનામાં સૈનિકોની સંખ્યા પણ વધતી જતી હતી. અંતે તેણે પોતાની પત્નીને છોડાવી લીધી અને બોરજીગીન પાછો ચાલ્યો ગયો.બોરજીગીનમાં આવ્યા પછી બોર્ટેએ ચંગીઝ ખાનને જણાવ્યું કે તે મર્કિટ કબીલાના સરદારના બાળકની 'માં' બનવાની છે. પરંતુ ચંગીઝ ખાન આ વાતથી સહેજ પણ નારાજ ન થયો અને તેણે ખૂબ જ વિચાર્યું તેમજ તેણે આ વાત કોઈથી પણ છુપાવી નહીં. તેણે મર્કિટ કબીલાના સરદારને એ સંદેશો મોકલાવ્યો કે તેણે (ચંગીઝે) તેના (સરદારના) સંતાનને માર્યું નથી પરંતુ તે તેના સંતાનને પોતાના ખુદના સંતાનની જેમ ઉછેર કરશે. તે મર્કિટ કબીલાને પોતાના તરફ કરવા માંગતો હોવાથી તેણે આ કદમ ઉઠાવેલું હતું. જમુખા અને કરિયેટ કબીલાના લોકો મર્કિટ કબીલાના લોકોને નફરત કરતા હતા પરંતુ જ્યારે તેને (જમુખાને) ખબર પડી કે ચંગીઝ મર્કિટ કબીલાના સરદારના બાળકને જન્મ આપી રહ્યો છે અને તે તેને (બાળકને)  ઉછેરશે પણ તો જમુખા ખૂબ જ નિરાશ થયો. તેથી જમુખા અને કરિયેટ કબીલાના બીજા લોકોએ ચંગીઝ ખાનથી દૂર રહેવાનું પસંદ કર્યું.

🔜 સમય પસાર થતો રહ્યો અને ઈ. સ. 1183 થી લઈને 1201 સુધીનો 18 વર્ષનો સમય થઈ ચુક્યો હતો ત્યાં સુધીમાં ચંગીઝે પોતાના રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો. નવા નવા ભાગોનો વિસ્તાર વધાર્યો તો બીજી બાજુ તેના મિત્ર જમુખાએ પણ કરિયેટ કબીલાના વિસ્તારને ખૂબ વધાર્યો. ઈ. સ. 1201માં બંને ખૂબ જ શક્તિશાળી કબીલાઓ હતા. પરંતુ ચંગીઝની તાકાત કરિયેટ કબીલાની તાકાતથી વધુ હતી. આ બંને શક્તિશાળી કબીલાઓની આગળ બીજા કોઈપણ કબીલાના લોકો શક્તિશાળી કે તાકાતવર ન બની શક્યા.

🔜 ચંગીઝ ખાનની કહાની આગળ વધારતા પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે ચંગીઝ ખાન કેવા પ્રકારનો શાશક હતો. તેની અંદર કેટલીક બાબતો ખૂબ ખાસ હતી. જે બાબત તેને ભવિષ્યમાં ખૂબ જ મોટા સામ્રાજ્યના શાશક બનાવવા માટે કામ આવવા વાળી હતી. તે યોગ્યતામાં વિશ્વાસ કરતો હતો અને તેઓને ખૂબ માં સન્માન આપતો હતો. તેમજ તે લોકોને તેના પોતાના રાજ્યમાં સારી સગવડો આપતો હતો. જે પ્રથા વર્ષોથી ચાલી આવતી હતી કે બાપ પછી તેનો દીકરો સીંઘાસન ઉઓર બેસશે તે પ્રથાને ખત્મ કરી ચંગીઝે અને યોગ્ય લોકોને આગળ વધવાનો મોકો આપ્યો. જે લોકો તેનો વિરોધ કરતા હતા તે લોકોને ચંગીઝ ખાન પોતાના રાજ્યમાંથી બહાર જવા માટે આદેશ આપતો હતો. આ મુજબ તેણે પોતાની સામેના આંતરિક વિદ્રોહ અને બળવાખોર કાવતરાના જોખમો ઘટાડી દીધા. આમ તો ચંગીઝ ખાન શક્તિશાળી, ક્રૂર અને નિરંકુશ શાશક હતો પરંતુ તેણે પોતાના સંબંધીઓ અને ભાઈઓને ખુશ રાખવાની પુરી કોશિશ કરી. ચંગીઝ જે નવા ક્ષેત્રો કે પ્રદેશો જીતતો હતો તે ક્ષત્રો કે પ્રદેશોને તેના ભાઈઓ અને સંબંધીઓને સાંભળવા માટે આપી દેતો હતો. તેની દીર્ઘદ્રષ્ટિની વિચારધારાનો એક કમાલ તે હતો કે એક તરફ તેણે જીતેલા બધા જ ક્ષેત્રો કે ભાગો ભાઈઓ, સંબંધીઓ કે વફાદાર લોકોની વચ્ચે વહેંચીને તેને ખુશ કર્યાં તો બીજી બાજુ તે બધા જ ભાગો ઉપર તેનું નિયંત્રણ બનાવીને રાખ્યું. જેમ પહેલા થતું હતું કે યુદ્ધમાં જીતેલો બધો જ ખજાનો રાજ્યની તિજોરી વિભાગમાં ચાલ્યો જતો હતો તે નિયમને ચંગીઝ ખાને બદલી દીધો. તે જીતેલા ખજાના ને ચંગીઝ ખાને પોતાના સૈનિકો અને રાજ્યના લોકોમાં વહેંચ્યો. ચંગીઝ ખાન પોતાના સલાહકારોની વાત માનતો હતો અને તેની સલાહ ઉપર જ આગળની કાર્યવાહી કરતો હતો.

🔜 ઈ. સ. 1190 સુધીમાં ચંગીઝની તાકાત મધ્ય એશિયામાં એટલી વધી ગઈ હતી કે તે ત્યાંના દરેક રાજાની સામે શરત મારી શકતો હતો. હવે વાત છે ઈ. સ. 1201 ની. તે વખતે કરિયેટ કબીલાએ જમુખાને 'ગુર ખાન' (Gur Khan) ની પદવી આપી. ગુરનો મતલબ થાય બ્રહ્માંડનો રાજા. આ પદવી ચંગીઝ ખાનને મળેલી 'ખાગાન'ની પદવીથી પણ બહુ મોટી હતી. જ્યારે ચંગીઝને 'ખાગાન'ની પદવી મળેલી ત્યારે પણ ઘણા બધા કબીલાના લોકો તેનાથી નારાજ હતા અને આ વખતે પણ જમુખાને જ્યારે 'ગુર ખાન'ની પદવી મળી ત્યારે પણ ઘણા બધા કબીલાના લોકો તેનાથી નારાજ થયા. ચંગીઝ ખાન પણ આ વાતથી ખૂબ જ નારાજ થયો. કરિયેટ કબીલાઓની સીમાંથી લઈને નૈમન્સ કબીલાના ક્ષેત્રો હતા. જે નૈમન્સ કબીલાઓ પણ ચંગીઝ ખાનના નિયંત્રણ હેઠળ હતા. નૈમણ લોકોને જમુખાને 'ગુર ખાન'ની પદવી મળી વાત પસંદ ના આવી. તે લોકોએ જમુખાની સામે શરત મારી કે તે સાબિત કરે કે તે 'ગુર ખાન'ની પદવી ને લાયક છે. જમુખા સમજી ગયો કે નૈમણ લોકોની પાછળ મોંગોલના લોકોનો એટલે કે ચંગીઝ ખાનનો હાથ છે. જમુખાએ પોતાની સેનાને ભેગી કરી અને યુદ્ધ લડવા માટે તૈયાર થઈ ગયો. પરંતુ આ યુદ્ધમાં જમુખા અને કરિયેટ કબીલાનો જોરદાર પરાજય થયો. ચંગીઝના સૈનિકોએ જમુખાને પકડી લોધો અને તેને ચંગીઝની સામે લઈ ગયા. ચંગીઝે જમુખાને પોતાની સાથે ફરી મળી જઈને કામ કરવાની વાત કરી. પરંતુ જમુખાએ ચંગીઝ ને કહ્યું કે જેવી રીતે આકાશમાં એક જ સૂર્ય છે તેવી રીતે પૃથ્વી પર માત્ર એક જ રાજા હોય શકે છે. તેણે ચંગીઝ ખાનને કહ્યું કે તે (ચંગીઝ) તેને (જમુખાને) લોહી વહાવ્યા વગર એક શાનદાર રીતે મૃત્યુ આપે. અને ત્યારબાદ ચંગીઝના સૈનિકોએ જમુખાને મારી નાખ્યો. નૈમન્સ કબીલાના લોકો સાથે મળીને મોંગોલ કબીલાના લોકોએ કરિયેટ કબીલાના તાબા હેઠળ આવતા પ્રદેશો ઉપર પોતાની ઈજારાશાહી મેળવી લીધી. હવે મધ્ય એશિયામાં જ્યાં બે મહાશક્તિ હતી ત્યાં એક જ મહાશક્તિ વધી હતી અને તે હતી ચંગીઝ ખાનના મોંગોલ કબીલાની શક્તિ.

🔜 ચંગીઝની તાકાત વધતી જતી હતી અને દરેક નાના મોટા કબીલાના લોકો તેની સાથે ભળી જતા હતા કારણ કે તે લોકોને ખબર હતી કે મૃત્યુ પામવું તેની કરતા ચંગીઝનો સાથ આપવો તે બાબત ઉત્તમ છે. બધા જ લોકોને ભેગા કરીને ચંગીઝે તેને એક જ નામ આપ્યું - મોંગોલ. તેમજ તે બધા જ પ્રદેશો ભેગા મળીને બન્યુ મોંગોલિયા. માત્ર તે પ્રદેશોને પોતાના તાબા હેઠળ લાવવા તેટલું જ કાફી ના હતું કારણ કે તે વધારે દિવસો સુધી ચાલી ન શકત તેમજ આંતરિક વિદ્રોહ થવાનો ખતરો પણ રહેતો હતો. તેથી જ ચંગીઝે હોવી મોંગોલિયાની એકતા અને વ્યવસ્થા ઉઓર ધ્યાન દેવાનું શરૂ કર્યું. મોટું સામ્રાજ્ય બનાવવું અને તેને ચલાવવું આસાન ન હતું તેથી જ તો ચંગીઝે મોંગોલિયાને 95 ભાગોમાં વહેંચી દીધું અને તેની ઉઓર શાશન કરવા માટે યોગ્ય લોકોની નિયુક્તિ કરી. તેની સાથે સાથે તેણે પોતાની સેનાને પણ મજબૂત કરી. મોંગોલીયાના દરેક પરિવારમાંથી એક વ્યક્તિને સેનામાં ભરતી થવું ફરજિયાત હતું. આમ, ચંગીઝ ખાને 1 લાખ ઘોડે સવારોની સેના બનાવી. જ્યારે મોંગોલિયાની શાશન વ્યવસ્થા વ્યવસ્થિત ચાલવા માંડી ત્યારે ચંગીઝે દુનિયાના બીજા ભાગોને જીતવા માટે અભિયાન શરૂ કર્યું. મેં તમને આગળ જ જણાવ્યું કે ચંગીઝ ખાને મર્કિટ કબીલાના  સરદારના સંતાનનું પાલનપોષણ કર્યું હતું. તેનું નામ હતું જોચી (Jochi). તે ચંગીઝનો સૌથી મોટો દીકરો હતો. મોંગોલિયાની શાશન વ્યવસ્થા વ્યવસ્થિત કર્યા પછી ચંગીઝે જોચીને મોંગોલિયાની સત્તા સોંપી દીધી. તેમજ તે પોતે વિજય અભિયાન પર નીકળી ગયો. ચંગીઝ આગળ વધતો જ જતો હતો. રસ્તામાં જે કોઈપણ પ્રદેશ આવતો તેના સરદાર કા તો ચંગીઝ ખાનની આધિનતાનો સ્વીકાર કરી લેતા અથવા તો યુદ્ધ લડતા. પરંતુ યુદ્ધ લડવામાં તે લોકોની હાર નિશ્ચિત જ હતી. દરેક જીત પછી ચંગીઝની સેનાની હિંમત વધતી જતી હતી.

🔜 ઈ. સ. 1218 સુધીમાં ચંગીઝ ખાને મોંગોલિયાથી લઈને ચીનના એક મોટા પ્રદેશ પર પોતાનો કબ્જો કરી લીધો હતો. અહીં સુધી તેણે માત્ર પૂર્વીય રાજ્યોને જ પોતાના કબ્જામાં લીધા હતા. હોવી તે પશ્ચિમી રાજ્યો તરફ આગળ વધ્યો અને કારા ખિતન (Kara Khitan) પર હુંમલો કરવા માટે પોતાની સેનાના નૈમન સરદારને 20,000 સૈનિકોની સાથે મોકલ્યો. તે રાજ્યના રાજા કૂચલગ (કૂચલગ)ને મોંગોલોની શક્તિની ખબર હતી. તેથી તેણે યુદ્ધ કર્યા વગર જ મોંગોલોની આધિનતા સ્વીકાર કરવાની વાત કરી. તેની આ વાતને પોતાની સેનાના જ કેટલાક લોકોએ નહીં માની અને તે લોકો બે ભાગમાં વહેંચાય ગયા. એક ટુકડી કૂચલગની સાથે હતી તો બીજી ટુકડી ચંગીઝ ખાનની સેનાની સાથે યુદ્ધ કરવા માટે નીકળી પડી. કૂચલગ ત્યાંથી ચૂપચાપ નીકળી ગયો કારણ કે તે મોંગોલોની સામે લડવા માંગતો ના હતો. પરંતુ કૂચલગની સેનાને જ્યારે ખબર પડી કે તે ભાગી રહ્યો છે તો તે સેના તેની પાછળ પડી અને તેને પકડીને તેની હત્યા કરી નાખી. ચંગીઝની સેનાએ જોયું કે કારા ખીતનની સેનામાં એકતાનો અભાવ છે તેમજ સેના નાની અને કમજોર થઈ ગઈ છે તો તે વાતનો ફાયદો ઉઠાવીને મોંગોલ સેના કારા ખિતનની અંદર ઘુસી ગઈ અને તેના સૈનિકોને મારવા લાગ્યા. એક ભયંકર યુદ્ધ થયું અને કારા ખિતન પર પણ ચંગીઝનું પ્રભુત્વ સ્થપાય ગયું. આમ, પશ્ચિમમાં પણ ચંગીઝ ખાને વિજયી શરૂઆત કરી હતી. તે કારા ખિતનમાં જ રોકાયો અને આગળની રણનીતિ બનાવવા માંડ્યો.

🔜 કારા ખિતનથી લઈને આગળ ખવારેઝમ (Khwarezm)ઉપર અલ્લાઉદ્દીનની હકુમત ચાલતી હતી કે જે એક વિશાળ મુસ્લિમ રાજ્ય હતું. ચંગીઝ ખાન તેની સાથે વેપાર શરૂ કરવા માંગતો હતો. તેથી તો તેણે 500 લોકોને ખ્વારીઝમરાજીના અધિકારીઓની પાસે વેપારની વાત કરવા માટે મોકલ્યા. ખ્વારીઝમરાજીના ગવર્નરને એમ લાગ્યું કે તે 500 લોકો જે છે તે મોંગોલીયન જાસૂસ છે તેથી તેણે (ગવર્નરે) તે લોકોને લૂંટી લીધા અને રાજ્યની બહાર કાઢી મુક્યા. આ વાતથી ચંગીઝ ખૂબ ગુસ્સે થયો અને ખવારેઝમ પર આક્રમણ કરવાનું વિચાર્યું. તેણે આ વિશે પોતાના સલાહકારો પાસેથી સલાહ લીધી. તેના સલાહકારોએ કહ્યું કે ખવારેઝમ ઉપર આક્રમણ કરવાનો ઈરાદો અત્યારે ઠીક નથી. જો આપણે તેમની સાથે વેપાર કરશું તો આપણે માટે ખૂબ જ ફાયદો છે. ચંગીઝ ખાન પણ આ વાત સાથે સહમત થયો અને તેણે પોતાના 3 દૂતો ને ખવારેઝમના બાદશાહ શાહ અલ્લાઉદ્દીનની પાસે મોકલ્યા. ત્રણેય દૂતો અલ્લાઉદ્દીનના દરબારમાં પહોંચ્યા અને પોતાનો સંદેશો બાદશાહને દીધો. તે સંદેશામાં એમ હતું કે ચંગીઝ ખાને હુકમ દિધો છે કે શાહ અલ્લાઉદ્દીનના રાજ્યના ગવર્નરે ચંગીઝના રાજ્યના જે લોકો સાથે જે લૂંટફાટ કરી છે તે લોકોને તે વસ્તુ પાછી આપી દે અને ખવારેઝમમાં તેમને માટે વેપાર કરવાનો રસ્તો ખુલ્લો કરે. શાહ અલ્લાઉદ્દીન ચંગીઝ ખાનને માત્ર એક લૂંટારો જ સમજતો હતો તેથી તેણે (અલ્લાઉદ્દીને) તે ત્રણ દૂતોમાંથી બે દૂતોના વાળ કપાવી નખાવ્યા અને એકનું માથું કાપીને બાકીના બંને દૂતોને આપીને કહ્યું કે અહિયાં જે કંઈપણ થયું તે ચંગીઝને બતાવી દેજો. જ્યારે ચંગીઝને આ વાતની ખબર પડી ત્યારે તેણે નિશ્ચય કર્યો કે તે શાહ અલ્લાઉદ્દીનને બરબાદ કરી નાખશે અને તેનું નામોનિશાન મિટાવી દેશે. કારા ખિતનના લોકો સાથે ચંગીઝ ખાને વાત કરી અને ચંગીઝે કારા ખિતનના લોકોને કહ્યું કે તે લોકો ખ્વારેઝમ સામેના યુદ્ધમાં મોંગોલોનો સાથ આપે. કારા ખિતનના લોકોએ તેની વાત માની લીધી કારણ કે તે લોકો પણ ખ્વારેઝમ અને શાહ અલ્લાઉદ્દીનના દુશ્મનો હતા. મોંગોલિયાની સેના પણ ત્યાં આવી ગઈ અને બધાને ભેગા કરીને ચંગીઝે 2 લાખની સેના એકઠી કરી. તેને ખ્વારેઝમ ઉપર 3 દિશાઓમાંથી હુમલો કરવાની યોજનાઓ બનાવી. અને 3 તરફના હુમલાથી ખ્વારેઝમ બચી શક્યું અને ખ્વારેઝમ પર ચંગીઝનો વિજય સાથે અધિકાર પણ થયો.

🔜 શાહ અલ્લાઉદ્દીનના પરિવાર સાથે જોડાયેલા તમામ લોકોને ચંગીઝ ખાનના સૈનિકોએ એક એક કરીને મારી નાખ્યા. ઈ. સ. 1220માં શાહ અલ્લાઉદ્દીન વિશે ચંગીઝ ખાનને ખબર પડી કે તે એક ટાપુ પર છુપાયો છે. તેથી તેને પકડવા માટે ચંગીઝે પોતાના સૈનિકોને તે ટાપુ પર મોકલ્યા. જ્યાં સુધીમાં તેના સૈનિકો ત્યાં પહોંચે ત્યાં સુધીમાં શાહ અલ્લાઉદ્દીને આત્મહત્યા કરી લીધી હતી. 'ખ્વારીઝમ'નું સામ્રાજ્ય ખૂબ મોટું હતું. જેના પર હવે ચંગીઝ ખાણનું શાશન હતું. ચંગીઝે ગઝની અને હાલના પાકિસ્તાનના પેશાવર શહેર સુધી કબ્જો કરી લીધો હતો. ત્યારે તેણે ખબર પડી કે શાહ અલ્લાઉદ્દીનનો એક દીકરો 'જલાલ અદ-દ્દીન મીંગબરનું' હજુ સુધી જીવતો છે અને તે ગઝનીમાં છુપાયો છે તો તે પોતાની સાથે એક મોટી સેના લઈને ગઝની ગયો. જલાલ અદ-દ્દીન મીંગબરનુંને જ્યારે આ ખબર પડી કે ચંગીઝ આવી રહ્યો છે તો તે ત્યાંથી ભાગી છૂટ્યો અને સિંધ (નદીને પાર કરીને ભારતમાં દિલ્હી દરબાર સુધી પહોંચી ગયો. દિલ્હીમાં તે વખતે ગુલામ વંશના ઈલ્તુંતમિશ (Iltutmish) નું શાશન હતું. તેણે (જલાલ અદ-દ્દીન મીંગબરનુંએ) ઈલ્તુંતમિશ પાસે સહાયતા માંગી પરંતુ ઈલ્તુંતમિશ ચંગીઝ વિશે જાણતો હતો. તેથી તેણે જલાલ અદ-દ્દીન મીંગબરનુંને સહાયતા આપવાની ના પાડી દીધી. ચંગીઝને જ્યારે ખબર પડી કે જલાલ અદ-દ્દીન મીંગબરનું ભારત આવ્યો છે તો તે પણ તેની પાછળ ભારત આવી ચડ્યો. આ બાજુ જલાલ અદ-દ્દીન મીંગબરનુંને ઈલ્તુંતમિશ પાસેથી કોઈપણ સહાયતા ન મળવાથી તે પંજાબ તરફ ચાલી નીકળ્યો. અને ચંગીઝને જ્યારે જલાલ અદ-દ્દીન મીંગબરનુંનો કોઈ અતો પતો ની મળ્યો તો તેણે મોંગોલિયા ફરી જવાનો નિર્ણય કર્યો. ત્યારપછી ચંગીઝ પાછો ખ્વારેઝમ પહોંચ્યો કારણ કે તેને મોંગોલિયા તરફ આગળ વધવું હતું.

🔜 જ્યારે તેની 20,000 સૈનિકોની ટુંકડી રશિયાથી આગળ વધી રહ્યી હતી ત્યારે કાશેષા અને રશિયાના સૈનિકોએ તેમનો રસ્તો રોકવાની નાકામ કોશિશ કરી. તેના બદલામાં ચંગીઝ ખાનના સૈનિકોએ ત્યાં પણ ખૂબ લૂંટફાટ કરી અને કાશેષા અને રશિયાના ઘણા ભાગનો નાશ કર્યો અને સાથે સાથે ત્યાંનો એક મોટો હિસ્સો પોતાના કબ્જામાં કરી લીધો. રશિયાના ઘણા ભાગો પર હુમલો કરીને ત્યાંની સેનાને પોતાની સેના સાથે ભેગી કરી દીધી અને ચંગીઝની સેના 20,000 થી લઈને 80,000 થઈ ગઈ. તેમજ રશિયાના ઘણા બધા ભાગોને ચંગીઝ ખાને જીતી લીધા. ત્યારપછી ચંગીઝ ખાન અને તેની સેના મોંગોલિયા પરત ફર્યા. ચંગીઝે પોતાના બધા જ સૈનિકોને 3 થી 4 વર્ષનો આરામ આપ્યો કે જેથી તેઓ તેમના પરિવારના સભ્યો સાથે સમય પસાર કરી શકે. થોડીક આરામ કરીને તેણે ફરીથી પોતાની સેના તૈયાર કરી અને આ વખતે તે યુરોપ તરફ આગળ વધ્યો.તેની સામે જે કોઈપણ લોકો આવ્યા તે કા તો મૃત્યુ પામ્યા કા તો કા તો તેઓએ આત્મસમર્પણ કરી લીધું. ઈ. સ. 1225માં તે યુરોપ પર વિજય પ્રાપ્ત કરીને મોંગોલિયા પરત ફર્યો.

🔜 ચંગીઝ ખાને 1206 થી લઈને 1227 સુધીના સમયગાળામાં દુનિયાના એક વિશાળ ભાગ પર કબ્જો કરી લીધો હતો. જેનું ક્ષેત્રફળ લગભગ 3 કરોડ 30 લાખ વર્ગ પ્રતિ મીટર સુધી ફેલાયેલું હતું. આ ક્ષેત્રફળ પુરી દુનિયાના 22 % જેટલું હતું જે વર્તમાન ભારતથી 10 ગણું વધારે છે.

🔜 તે પોતાના વિજય અભિયાન દરમિયાન જે પણ પ્રદેશોમાંથી પસાર થતો હતો તે બધા જ શહેરોનો નાશ કરી દેતો હતો અને ખૂબ જ મારપીટ કરતો હતો. એક અનુમાન મુજબ તેણે પોતાના સમયની 11 % આબાદીનો નાશ કરી નાખ્યો હતો. જે લગભગ 4 કરોડ જેટલી હતી. તેની બર્બરતા કે તેની આક્રમકતાનો અંદાજો પણ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે 1219માં ઈરાન પર હુમલો કરીને ત્યાંની 75 % આબાદીનો સામુહિક નાશ કરી નાખ્યો હતો. ઉજબેકિસ્તાનના શહેર બુખારા અને રાજધાની સમરકંદ ને સંપૂર્ણપણે સળગાવીને તેનો પણ નાશ કરી નાખ્યો હતો. બુખારાની 10 લાખની આબાદીમાંથી માત્ર 50,000 લોકો જ જીવતા બચ્યા હતા. ઈતિહાસના મત મુજબ, ચંગીઝ ખાનના હુમલાના સમયે જેટલી આબાદી પુરા ઈરાનની હતી તેટલી આબાદી ફરી આવવા માટે 750 વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો હતો. જ્યારે ચંગીઝ ખાને ચીનની લાંબી દીવાલને પાર કરીને તેની રાજધાની બેઈજિંગ પર હુમલો કર્યો ત્યારપછી ચીનની જન સંખ્યામાં પણ મોટી માત્રામાં ઘટાડો થયો હતો. આના ઉપરથી જ અંદાજો લગાવી શકાય કે ચંગીઝ ખાન કેટલો ક્રૂર અને નિર્દયી શાશક હતો. પહેલા ચંગીઝ ખાનની યોજના હતી કે તે ભારતને સાફ કરતો કરતો ભારતમાં વચ્ચેથી પસાર થઈને આસામના રસ્તેથી મોંગોલિયા પાછો ચાલ્યો જાય. પરંતુ પોતાની બીમારીને કારણે તેણે પાછું જવું પડ્યું. આ મુજબ ઉત્તર ભારત એક સંભવિત  અને ભયભીત ગુલામીથી અને બરબાદીથી બચી ગયો.

🔜 ચંગીઝ ખાન જે પણ ભાગને કે પ્રદેશને જીતતો હતો ત્યાંના પરાજિત થયેલા યોદ્ધાઓની પત્નીઓ અને દીકરીઓને નગ્ન પરેડ કરાવતો હતો. તેમજ તે પોતે જેટલી મહિલાઓ સાથે બિસ્તર પર સુવા માંગતો હતો તેને પોતાની પાસે જ રાખતો હતો. ચંગીઝ, મહિલાઓને તેના ગોળ નિતંબ, લાંબા રેશમી વાળ, લાલ હોઠ અને મધુર અવાજથી પસંદ કરતો હતો. બાકીની વધેલી (બચેલી) મહિલાઓને તે પોતાના સૈનિકો, અધિકારીઓ અને સેનાપતિઓની છાવણીમાં મોકલી આપતો હતો. ઈતિહાસકારોના મત મુજબ, ચંગીઝ ખાન હજારોનો કે લાખોનો નહીં પરંતુ કરોડો બાળકોનો બાપ હતો. વિશ્વમાં રહેલી જનસંખ્યા અનુમાનથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ અને તમે લોકો આ લેખ વાંચી રહ્યા છો ત્યાં સુધીમાં ચંગીઝ ખાનના 1 કરોડ 60 લાખ પુરુષ વંશજો જીવતા છે. જો આમાં મહિલા વંશજોને જોડી દેવામાં આવે તો તેની સંખ્યા બે ગણી થઈ જાય. આનો એક મતલબ એ પણ થયો કે પૃથ્વીના લગભગ સાવ ત્રણ કરોડ લોકો એવા છે કે જેમના દાદા કે દાદાના દાદા કે તેમના પણ પરદાદા અને નાનીની નાનીની નાની કે પછી તેની પણ પરનાનીના પિતા ચંગીઝ ખાન હત. ધાર્મિક મામલામાં પણ ચંગીઝ ખાન ખૂબ દયાળુ હતો. તે દરેક ધર્મોનું સન્માન કરતો હતો. ચંગીઝ એક વિચારધારામાં 'સમાવાદમાં' માનતો હતો. જેને તમે પોતાનો ધર્મ કહી શકો છો. સમાવાદમાં નીલા આકાશની પૂજા કરવામાં આવે છે. ચંગીઝ તેના ગુરુઓ સાથે જૈવિક જ્ઞાન વિશે પણ ચર્ચા કરતો હતો. તે પોતાના મૃત્યુ પર્યંત સમવાદને માનતો રહ્યો. જ્યારે કોઈપણ ઘટના બનતી ત્યારે તે નીલા આકાશની તરફ જોતો. તેને બાજ પાડવાનો પણ બહુ શોખ હતો. તેની પાસે લગભગ 800 જેટલા બાજ હતા.

🔜 ચંગીઝ ખાનનો એક સૌતન બેટો હતો જોચી અને તેના ખુદના 3 દીકરા મળીને કુલ 4 દીકરા થયા. તેણે પોતાના સામ્રાજ્યને પોતાના 3 સગા દિકરાઓમાં બરાબર વ્યવસ્થિત રીતે વહેંચી દીધું પણ તેણે જોચીને કઈ જ ન આપ્યું. તેના બદલામાં તેણે જોચીને મોંગોલ સામ્રાજ્યનો ઉત્તરાધિકારી બનાવ્યો. અને તેણે જાહેર કર્યું કે તે હવેથી કોઈપણ નવા રાજ્યો જીતશે તેના પર જોચીનો અધિકાર રહેશે. ત્યારબાદ તેણે ઘણી બધી લડાઈઓ લડી અને ઘણા ક્ષેત્રો (ભાગો) પર કબ્જો કર્યો. આ જીતેલા ક્ષેત્રો તેણે અગાઉ જીતેલા ક્ષેત્રો કરતા ઘણા જ વિશાળ હતા. પરંતુ ઈ. સ. 1226માં જોચીનું મૃત્યુ થઈ ગયું. જોચીના મૃત્યુ બાદ ચંગીઝે પોતાના સગા દીકરા ઓગેડેઈ (Ogedei) ને મોંગોલિયાનો ઉત્તરાધિકારી બનાવ્યો. એક કહેવત છે કે મોટ જ જિંદગીની સાચી વાસ્તવિકતા છે અને તેનાથી કોઈપણ બચી શકતું નથી. અને હવે ચંગીઝ ખાનનો કાળ પણ નજીક આવ્યો. જ્યારે એક દિવસ તે ઘોડેસવારી કરી રહ્યો હતો ત્યારે ઘોડા પરથી પડી જવાથી વાગવાને કારણે તેનું મૃત્યુ 18 ઓગસ્ટ, 1227 માં થયું.

🔜 આમ, દુનિયાને એક ક્રૂર શાશકથી મુક્તિ મળી. એવું કહેવામાં આવે છે કે મૃત્યુ બાદ ચંગીઝનો જન્મ જ્યાં થયો હતો ત્યાં મોંગોલીયાના ખમતી એમર નામની જગ્યાએ તેને દફન કરી દેવામાં આવ્યો.

🔜 ચંગીઝ ખાનના મર્યા પછી તેનું સામ્રાજ્ય 200 વર્ષ સુધી ટકી રહ્યું હતું. તૈમુર અને ગઝનવીને મહાન બતાવનાર આરબ અને ઈરાનના લેખકોની નજરમાં ચંગીઝ ખાન એક રાક્ષસ હતો. એ બાબતમાં કોઈ શક નથી કે ચંગીઝ ખાન એક ક્રૂર શાશક હતો પણ તેની સમયના બીજા શાશકો અને ચંગીઝની વચ્ચે પણ કઈ ખાસ ઝાઝું અંતર ના હતું. ભારતમાં મુસ્લિમ શાશકો પણ આ જ પ્રકારનો વ્યવહાર કરતા હતા.

🔜 વિચારવા જેવી વાત તો એ છે કે જ્યારે ચંદ્રગુપ્ત, સિકંદર કે અકબર જેવા શાશકોએ કોઈપણ પ્રદેશને જીતવાનું કામ તેમની જુવાનીમાં પૂર્ણ કર્યું હતું જ્યારે તે જ કામ ચંગીઝ ખાને પોતાની 41 વર્ષની ઉંમરે વિજય અભિયાનની શરૂઆત દ્વારા કર્યું. આના ઉપરથી આપણે એ પણ તારણ કાઢી શકીએ છીએ કે સારું છે કે ચંગીઝ ખાને પોતાની જુવાનીમાં ભારતમાં પગપેસારો નથી કર્યો.

લેખક : મિતુલભાઈ ગોહેલ

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ

If you find any wrong information, difficulty or query then let me know.